Books

 


વધામણાં: ટેકનોલોજી પોષિત ભવિષ્યના

રજૂઆત: વિશાલ ભાદાણી

પ્રકાશક: અરુણોદય પ્રકાશન, અમદાવાદ

આવતા ૫૦ વર્ષ માનવસભ્યતા માટે કેવાં હશે? માનવજાતના સંક્રાંતિકાળે નીચેની બાબતો વિચારી જુઓ તો?

·       ગૂગલના વૈજ્ઞાનીક બીલ મારીસે ૨૦૧૫માં કહ્યું કે, “જો તમે મને પૂછો કે ૫૦૦ વર્ષ સુધી જીવી શકાય, તો મારો જવાબ ‘હા’ છે.” જો આવું થાય તો શું શું થાય?

·       ઓટોમેશનને લીધે કઈ કઈ નોકરીઓ જશે અને કેવી કેવી નવી આવશે?

·       ઊર્જા, પાણી, પાર્યાવરણ, શિક્ષણ અને સ્વાસ્થ્યને લગતા તમામ મોટા પ્રશ્નોનો ઉકેલ માટે ટેકનોલોજીને એક તક આપી શકાય?

·       કમ્પ્યુટરની જેમ માણસને પણ હેક કરી શકાશે?

·       આપણી આસપાસ રહેલાં વૃક્ષો, પશુ-પક્ષીઓ, નદીઓ, પર્વતો અને માણસોને એક વિશાળ ઈન્ટરનેટ નેટવર્ક સાથે જોડી દઈએ તો શું થાય?

·       ૨૦૫૦નાં જીવન માટે અત્યારે કેવું શિક્ષણ આપવું જોઈએ?

આવા પ્રશ્નો વિષે કદાચ આપણે પ્રથમ વખત પનારો પડી રહ્યો છે પણ હકીકત તો એ છે કે આપણાં પછીની પેઢી જે દુનિયામાં શ્વાસ લેવાની અને એ દુનિયા અત્યારે બનવાની શરુ થઇ ચૂકી છે. ‘ભવિષ્ય’ વિશેની કોઈપણ વાત આપણાને સૌને આકર્ષે છે કારણકે ત્યાં જ આશા છૂપાયેલી છે. આજે કેટલાક વ્યાપક વૈજ્ઞાનિક પ્રાવાહોના આધારે નજીકના ભવિષ્યને વધુ સ્પષ્ટ જોઈ શકીએ છીએ. આ પુસ્તકમાં હરારીના ત્રણ પુસ્તકો (Sapience, Homo Deus અને 21 Lessons for the 21st Century) અને ડિયામેન્ડીસના બે પુસ્તકો (Abundance અને Future is Faster than You Think)નો સાર તો છે પણ એ સાથે એમના યુ-ટ્યુબ પર રહેલા વ્યાખ્યાનોમાં જે નવી બાબતો છે (પુસ્તકો સિવાયની) એનો પણ સમાવેશ કર્યો છે. એક પછી એક પુસ્તકોનો સાર આપવાને બદલે, આ પુસ્તકમાં હરારી અને ડિયામેન્ડીસની મુખ્ય દલીલોને એક ચોક્કસ ક્રમમાં ગોઠવીને સરળ શૈલીમાં “રજૂ” કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે. પુસ્તકને બે ભાગમાં વહેંચ્યું છે: ૧) ‘એંધાણ’ જેમાં મહદંશે હરારીના ત્રણ પુસ્તકો, વિડીયો અને એક લેખનો સાર આપવાની કોશિશ કરી છે અને ૨) ‘વધામણાં’ જેમાં ડિયામેન્ડીસના બે પુસ્તકો અને વિડિયોઝને રજુ કરવાનો પ્રયાસ કર્યો છે.

એક બાજુ હરારીનો અતિ-વાસ્તવવાદ છે તો બીજી બાજુ ડિયામેન્ડીસનો અતિ-આશાવાદ છે. આ પુસ્તકમાં જે વિચારો દર્શાવવામાં આવ્યા છે એ આપણને હલબલાવી નાખે તેવાં છે કારણકે આમાં આપવામાં આવેલી વિગતો મુખ્યધારાની મીડિયામાં લોકભોગ્ય શૈલીમાં ક્યારેય રજૂ કરવામાં આવતી નથી. સામાન્ય લોકો માટે આ દળદાર પુસ્તકો વાંચવા અને એમાંથી સમજણ તારવવી અને એ પ્રમાણે જીવનના નિર્ણયો લેવા એવો સમય હોતો નથી. એટલે આ વિચારોને શાંતિથી ચાવવા, મમળાવવા અને પચાવવા માટે ધૈર્ય જરૂરી છે. આ પુસ્તક મૂળ પુસ્તકોનો વિકલ્પ નથી પણ ત્યાં સુધી જવાની નાનકડી ભૂમિકા રજૂ કરે છે.

ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે માણસે પોતાની શારીરિક ક્ષમતાઓ ધીમે ધીમે મશીનને સોંપી દીધી. ઉદાહરણ તરીકે ખેતીકામ માટે જરૂરી શારીરિક મહેનત હવે મશીનો કરવા લાગ્યા. આનાથી ઉત્પાદન ખૂબ જ વધ્યું, કામમ ઝડપ આવી અને માણસને પારાવાર શરીરશ્રમમાંથી મુક્તિ મળી. ૨૦મી સદીના છેલ્લા બે દાયકાઓથી શરુ કરીને ૨૧મી સદીના પ્રથમ બે દાયકાઓ દરમિયાન માણસ ધીમે ધીમે પોતાની બૌદ્ધિક ક્ષમતાઓ મશીન (કમ્પ્યુટર)ને આપી રહ્યો છે. ઉદાહરણ તરીકે કેલ્ક્યુલેટર. આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ હાલ પૂરતું માણસની ચૈતસિક ક્ષમતાઓ સુધી પહોચ્યું નથી, પરંતુ એ ક્યારેય એ કામ નહીં કરી શકે એવું કહી શકાય નહીં. જો આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ આપણી બૌદ્ધિક ક્ષમતાઓ લઇ લે તો શું થાય?

૨૦૧૩માં ગૂગલે પોતાની એક પેટા કંપની શરુ કરી જેનું નામ છે “Calico” જેનો મુખ્ય ધ્યેય છે – “to solve death” – મૃત્યુ ને ટાળવું. મનુષ્ય જીવન ૧૫૦ કે ૨૦૦ વર્ષનું પણ થાય ત્યારે જે સામજિક, આર્થિક, અને સાંસ્કૃતિક પ્રશ્નો સામે આવશે તેની સામે પણ હરારી આપણું ધ્યાન દોરે છે. ઉદાહરણ તરીકે, જો ૨૦૦ વર્ષનું સરેરાશ આયુષ્ય થાય તો કેટલા વર્ષ ભણવાનું? કેટલી નોકરી કરવાની? કેટલા વર્ષે રીટાયર્ડ થવાનું? સંબંધોનું શું થશે? કેટલા લગ્નો? બેકારીનું શું કરીશું? નેતાઓને કેટલા વર્ષ શાસન કરવાનું? આ બધા પ્રશ્નો તો છે જ. પણ, હરારી કહે છે કે, ભલે ગૂગલ આપણને અમરત્વ ન આપી શકે પણ આવી કંપનીઓના પ્રયત્નોથી આપણે બાયોલોજીના સંશોધનમાં લાંબી છલાંગ મારવા જઈ રહ્યા છીએ. અમરત્વ માટે પ્રયત્ન કરી રહેલાં વૈજ્ઞાનિકો માટે હરારી સુંદર ઉપમા વાપરે છે અને કહે છે કે “આ લોકો ગાયો ચારતા છોકરાં જેવા છે જે “વાઘ આવ્યો, વાઘ આવ્યો” કહીને લોકોને ભેગા કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લે ખરેખર વાઘ આવે છે.” એટલે કે મૃત્યુનું મરવું નક્કી છે!

છેલ્લા ત્રણ વર્ષમાં દુનિયામાં આર્ટીફીશ્યલ ઇન્ટેલિજન્સના સંશોધન પાછળ થતા રોકાણમાં ૭૦૦% વધારો થયો છે. જયારે સમગ્ર દુનિયામાં આવું ચાલતું હોય ત્યારે કોઈ દેશ ઈચ્છે તો પણ અન્ય દેશ કરતાં આ દિશામાં પાછળ ના રહી શકે. એટલે આપણે માણસ તરીકે આપણું ટેલેન્ટ છે (સામૂહિક સહકાર) તેનાથી વિરુદ્ધ વર્તી રહ્યા છીએ. હરારી કહે કે, “આપણે સૌ એવા ઘરમાં રહીએ છીએ જેને કોઈ મેન્ટેઇન કરતુ નથી એટલે એક દિવસ એ પડી જશે.” વ્યક્તિગત ધોરણે પણ આપણે જોઈ શકીએ છીએ કે કોઈપણ માણસ ટેકનોલોજીથી વંચિત રહેવા માગતો નથી. છેલ્લા બે વર્ષમાં 3G ઈન્ટરનેટ વાપરતા લોકો નહીવત થઇ ગયા છે. કારણકે ટેકનોલોજી રોજબરોજના ઘણાં કામોને સાવ સરળ કરી રહી છે. આ સવલત ધીમે ધીમે ટેવ અને વ્યસનમાં પરિણામે છે.

બેંકમાં કોઈ કામ માટે જઈએ અને લાંબી લાઈનમાં ઊભું રહેવું પડે અને સમય વેડફાય એ કોઈને પણ પોસાય નહીં. એવા સમયે મોબાઈલ દ્વારા જ બેંકના ૯૦% કામો થઇ જતાં હોય તો બેંક પર કોઈને જ જવું નથી. હાલમાં એ વાસ્તવિકતા છે કે પર્સનલ બેન્કિંગ/UPI એટલુ સરળ છે કે હવે લગભગ ટેવ પડી ગઈ છે. રેસ્ટોરન્ટમાં જમવા જવા માટે ઘરથી બહાર નીકળવું, ટ્રાફીકનો સામનો કરવો અને ત્યાં પહોંચીને પણ કદાચ રાહ જોવી પડે. એના બદલે તમારી પ્રિય રેસ્ટોરન્ટમાંથી તમારી પ્રિય ડીશ તમને Swiggy/Zomato ઘેર આપી જાય તો? આમ, આપણું કામ ધીમે ધીમે ઘટી રહ્યું છે. ઈન્ટરનેટ પર Netflix કે Amazon Prime જેવી વ્યવસ્થઓએ આપણો થીએટર સુધી જવાનો રસ્તો બદલી નાખ્યો છે. હવે ફિલ્મો અને સિરીઝ આપણા ફોનમાં જ રીલીઝ થાય છે. Ola/Uber આપણને ઓટો રીક્ષા કે ટેક્સીનો સાવ જુદો જ અનુભવ કરાવે છે તો Flipkart અને Snapdeal શોપિંગ મોલને આપણા ઘર આંગણે લાવી મૂકે છે. વળી, BYJUS, Vedantu અને MOOCsના યુગમાં હવે શાળા/કોલેજ શા માટે જવું!

આ બધાંનો ચોક્કસ અર્થ એ થાય કે ટેકનોલોજી આપણી પાસેથી ઘણી બધી નોકરીઓ લઇ લેશે. એક ઉદાહરણ તરીકે, જો તમે ૫૦ વર્ષના ટ્રક ડ્રાઈવર હો અને ડ્રાઈવરલેસ ટ્રક આવતાં તમારી નોકરી જાય તો તમે શું કરો? એ ઉમરે તમે નવી બાબત શીખવા તૈયાર હશો? ભૂતકાળમાં માણસને શોષણ સામે લડવું પડતુંતું પણ ૨૧મી સદીમાં એને અપ્રસ્તુતતા સામે લડવું પડશે. અપ્રસ્તુતા શોષણ કરતાં વધારે ખતરનાક છે કેમ કે શોષણમાં આપણી પાસે કામ તો હતું. અપ્રસ્તુતતા સામે જે લોકો હારી જશે એ લોકોનો એક બહુ મોટો બેકાર વર્ગ ઊભો થશે.

આવા યુગમાં એક શિક્ષકે વિદ્યાર્થીને માહિતી ભણાવવી જ ન જોઈએ. શિક્ષકનું કામ એ માહિતીનું પૃથક્કરણ કેમ કરવું અને આપણા માટે ઉત્તમ માહિતી કઈ છે એ શોધતા શીખવવાનું છે. આથી પણ આગળ જઈને, શિક્ષકે આ માહિતીનો ઉપયોગ વૈશ્વિક દ્રષ્ટિકોણ કેળવવામાં કેવી રીતે કરવો એ સમજાવાનું છે. આપણે ટેકનીકલ જ્ઞાનની સાથે જીવન-કૌશલ્યો પણ શીખવવા પડશે કેમ કે ટેકનો-હ્યુમન સમાજમાં ટકી રહેવા માટે અને આગળ વધવા માટે એ ખૂબ જ જરૂરી છે. એમાં પણ, હરારી કહે છે કે, સૌથી મહત્વનું કૌશલ્ય છે પરિવર્તન સાથે પનારો કેમ પાડવો તે. કાયમ નવી નવી વસ્તુઓ શીખતા રહેવી અને અપરિચિત જીવન-પરિસ્થિતિઓમાં ધીરજ રાખવી.

આવી વાસ્તવિક સ્થિતિની સામે ટેકનોલોજી ભવિષ્યને કેવું સરળ અને ઉપકારક બનાવશે એ પણ સમજવું જોઈએ. આપણે શાળા-કોલેજમાં અને મીડિયાના માધ્યમથી છેલ્લાં ૧૦૦ વર્ષમાં દુનિયામાં શું શું થયું એના વિષે જાણ્યું છે. જરા, યાદ કરો તો તમને શું શું યાદ આવે છે? બે વિશ્વ યુદ્ધો? અંગ્રેજોની ગુલામી? ભૂકંપ? પ્લેગ? સરમુખત્યારો? આ બધું જ થયું છે. પણ એની સાથોસાથ અથવા તો આટલું બધું ભયાનક જ્યારે બની રહ્યું હતું ત્યારે જ કોઈ ખૂણામાં સારી ઘટનાઓ પણ આકાર લઇ રહી હતી.

  • ૧૮૪૧માં પાંચ વર્ષનું બાળક લગભગ ૫૫ વર્ષ જીવતું જે આજે ૮૨ વર્ષ જીવે છે એટલે એના આયુશાયમાં ૨૭ વર્ષ ઉમેરાયા છે.
  • ૧૦૦ પહેલા દર ત્રીજું બાળક પાંચ વર્ષ પહેલા મૃત્યુ પામતું આજે એ બાળ મૃત્યુ દર ઘટીને માત્ર ૪.૩% જ રહ્યો છે.
  • છેલ્લા ૨૫ વર્ષમાં કેન્સરથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં ૨૭%નો ઘટાડો આવ્યો છે.
  • છેલ્લા ૧૩૦ વર્ષમાં વૈશ્વિક સાક્ષરતા દર ૨૫%થી વધીને ૮૦% થયો છે.

ચીપ બનાવતી કંપની ‘ઇન્ટેલ’ના સહ-સ્થાપક ગોર્ડને કહ્યું કે “ઇન્ટીગ્રેટેડ સર્કીટ પર રહેલા ટ્રાન્ઝીસ્ટર અને રેઝિસ્ટરની સંખ્યા દર બે વર્ષે બમણી થઇ રહી છે અને આ પરિવર્તન આમ જ ચાલશે.” ટેકનોલોજી જે ઝડપથી સતત વધી રહી છે અને આમાં નોંધવા જેવી બાબત છે કે છેલ્લાં ૧૦૦ વર્ષમાં જ્યારે આ સર્કીટ ટેકનોલોજી વિકસી રહી હતી ત્યારે જ દુનિયામાં બહુ મોટી ઉથલ-પાથલ થઇ જેમ કે બે વિશ્વ યુદ્ધો થયા, કેટલીય કુદરતી આપત્તિઓ આવી, મહામારીઓ આવી, અને રાજકીય ક્રાંતિઓ થઇ છતાં આ ટેકનોલોજીનો વિકાસ અટકયો નથી. ખરેખર તો આ બધી જ વિપરીત પરિસ્થિતિઓએ ટેકનોલોજીનો વિકાસ થવામાં ખૂબ મોટી મદદ કરી છે.

પ્રથમ ડીજીટલ કેમેરાં ૧૯૭૬માં બન્યો ત્યારે તેની કિમંત ૧૦,૦૦૦ ડોલર હતી જે ૨૦૧૪માં માત્ર ૧૦ ડોલરમાં મળતો થયો એટલું નહીં પણ એનું રીઝોલ્યુશન હજારગણું વધ્યું, વજન હજારગણું ઘટ્યું અને કિમંત પણ હજારગણી ઘટી. આનું એક માત્ર કારણ ચીપ પર રહેલા ટ્રાન્ઝીસ્ટર અને રેઝિસ્ટરની સંખ્યામાં થઇ રહેલો વધારો છે. હવે કલ્પના કરો કે તમારે કેમેરાં બનાવવાની કંપની શરુ કરવી છે તો તમારે આ ગોર્ડનની વાતને યાદ રાખીને આજથી ૧૦ વર્ષ પછી કેવા કેમેરાં જોઇશે એનું અનુમાન લગાવીને જ કંપની શરુ કરવી જોઈએ. દાખલા તરીકે, જે રીતે ચીપ નાની થતી જાય છે એ હિસાબે તમે એવું અનુમાન લગાવી શકો કે ભવિષ્યમાં કેમેરાં એટલા નાના થશે કે એને મધમાખીની આંખમાં ફીટ કરી શકાશે. જો તમે આ લેવલની કલ્પના ન કરી શકો તો તમારો બિઝનસ બહુ ચાલે નહીં! આવું દરેક ક્ષેત્રનું છે!

છેલ્લાં ૨૦ વર્ષમાં જ ટેકનોલોજીને લીધે જગત ઘણું બધું બદલાયું છે. ઇતિહાસમાં પ્રથમ વખત એવું પ્રાઈવેટ સ્પેસશીપ બનાવવામાં આવ્યું કે જે સામાન્ય માણસને અવકાશમાં ૧૦૦ કિલોમીટરથી પણ ઉપર સફળતાપૂર્વક લઇ જઈ શકે. ૨૦૧૪માં એવી પ્રથમ ઘટના ઘટી જેમાં NASA અવકાશમાં 3D પ્રિન્ટીંગનો ઉપયોગ કરીને એક તખ્તી બનાવી જેમાં લખ્યું “Made in Space”. ૨૦૦૭માં iPhone આવ્યો અને આપણે ટચ-સ્ક્રીન સ્માર્ટફોનનો અનુભવ કર્યો જેનાં પછી સેંકડો કંપનીઓએ આ દિશામાં હરણફાળ ભરી. આજે સ્માર્ટફોન શિક્ષણ, સ્વાસ્થ, સંબંધો, વ્યાપાર, અને અધ્યાત્મ સુધીના ક્ષેત્રોમાં ખૂબ જ ઉપયોગી બન્યો છે. ૨૦૦૫માં Google Mapsની સુવિધા આવી અને આપણે હવે લગભગ કોઈનેય રસ્તો પૂછતા નથી અને છતાં ક્યાંય ભૂલા પણ નથી પડતા! ૨૦૦૯માં સિંગાપોરમાં સ્કાય ગ્રીન ફાર્મ દ્વારા વિશ્વનું પ્રથમ વર્ટીકલ ફાર્મ બનાવવામાં આવ્યું. ૨૦૧૨માં CRISPR ક્રાંતિ થઇ જેમાં આપણા ખરાબ જીન્સને દૂર કરીને સારા દાખલ કરી શકાય. ૨૦૧૯માં અમેરિકાના ડોકટરોએ પ્રથમ વખત એક દર્દીને આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને વારસાગત બીમારીમાંથી ઉગાર્યો.

હવે ઉપરોક્ત તમામ સારા સમાચારોને તમે જે શાળામાં ભણ્યા અથવા તો અત્યાર સુધી જે નકારાત્મક બાબતો ઇતિહાસમાં વાંચી એની સાથે સરખાવો. શું લાગે છે આ જગત કઈ તરફ જઈ રહ્યું છે? ટેકનોલોજી જે તે સેવાનું ડેમોક્રેટાઈઝેશન (લોકશાહીકરણ) કરે છે એટલે કે જો તમારી કોઈ પ્રોડક્ટ ઓનલાઈન મુકો તો જેટલા લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે તેમના માટે હાથવગી થઇ જાય છે. ઈન્ટરનેટ આવતા માહિતીનું સૌથી પહેલું લોકશાહીકરણ થયું છે એટલે જે સત્તા અમેરિકાના પ્રથમ પ્રમુખ અથવા તો નેપોલિયન પાસે નહોતી આજે કોઈપણ દેશના સામન્ય માણસ પાસે છે: ગમે ત્યારે ગમે તે માહિતી મેળવવાની સત્તા.

ભવ્ય ભૂતકાળમાંથી ધડો લઈને, એનાં મોહપાશમાંથી મુક્ત થઈને, આપણે તો ભવિષ્યને કંડારવાનું છે. એટલા માટે વર્તમાનમાં થઇ રહેલા પરિવર્તનોને ‘લાઈવ’ નિહાળીને તેમાંથી પ્રગટતા પ્રકાશનાં આધારે જેટલું દૂર જોઈ શકાય એટલું આપણે ભવિષ્યને જોવાનો વૈજ્ઞાનિક પ્રયત્ન કરીએ અને એના માટે તૈયાર થઇ શકીએ. આમાં જે માહિતી છે તે બહુ ઝડપથી આઉટ-ડેટેડ થઇ જવાની છે પણ જે કેટલાક સંકુલ પ્રશ્નો છે તેને આપણે હજુ આવતા એક-બે દાયકાઓ સુધી નજર સમક્ષ રાખવા પડશે.

 -ફૂલછાબ - દિવાળી વિશેષાંકના આભાર સાથે

 

 

 

[પુસ્તક મેળવવા માટે: https://www.bookpratha.com/Product_listing?authorid=172358]

નિરાશાનાં “એંધાણ” અને આશાનાં “વધામણાં”



- રાજ ગોસ્વામી

આ પુસ્તકના કવર પેજ પર લખવામાં આવ્યું છે “ઇન્ટરનેશનલ બેસ્ટ-સેલિંગ લેખક-વિચારક યુવલ નોઆ હરારી અને પીટર ડિયામેન્ડીસના પુસ્તકોનો અર્ક.” યુવલ નોઆ હરારી ઈઝરાયેલી ઈતિહાસકાર અને જેરુસલેમની હિબ્રુ યુનિવર્સીટીમાં ઈતિહાસના પ્રોફેસર છે. તેમનાં ત્રણ પુસ્તકો “સેપિયન્સ: બ્રિફ હિસ્ટ્રી ઓફ હ્યુમન કાઈન્ડ,” “હોમો ડેયસ: અ બ્રિફ હિસ્ટ્રી ઓફ ટૂમોરો” અને “21 લેશન્સ ફોર ધ 21 સેન્ચુરી” વિશ્વવિખ્યાત થયાં છે.

પીટર ડિયામેન્ડીસ ગ્રીક-અમેરિકન એન્જિનિયર અને ફિઝિશિયન છે. તેમણે “એબ્યુડન્સ: ધ ફ્યુચર ઇઝ બેટર ધેન યુ થિંક, “હાવ કન્વર્જિંગ ટેકનોલોજીસ આર ટ્રાન્સ્ફોર્મિંગ બિઝનેસ, ઇન્ડસ્ટ્રીઝ એન્ડ અવર લાઈવ્સ” અને બોલ્ડ: હાવ ટુ ગો બિગ, ક્રિએટ વેલ્થ એન્ડ ઈમ્પેક્ટ ધ વર્લ્ડ” નામનાં પુસ્તક લખ્યાં છે.

આ લેખકો અને તેમના પુસ્તકોની બધી વાતો અંદર છે.

મને આ બે લેખકોને સાથે જોડવાના વિશાલભાઈ ભાદાણીના પ્રયાસમાં અલગ રીતે રસ પડ્યો છે.

હરારી અને ડિયામેન્ડીસ બંને તેમના પુસ્તકોમાં માનવજાતિના ભવિષ્યની વાત કરે છે. ખાસ કરીને, ટેકનોલોજીની ક્રાંતિ આપણા જીવનને કઈ રીતે ધરમૂળથી બદલી નાખશે તેનું વિવરણ બંને કરે છે. એ ક્રાંતિની ગતિ કેટલી તેજ છે તે છેલ્લા બે દાયકામાં જ પુરવાર થઇ ગયું છે. અગાઉ જે પરિવર્તન થતાં એક દાયકો લાગતો હતો, તેમાં હવે માણસની ટેકનોલોજીકલ પ્રગતિના કારણે બે-ચાર વર્ષમાં જ બદલાવ આવી જાય છે.

સાદું ઉદાહરણ; લેપટોપ અને મોબાઈલ ફોન જયારે આવ્યા, ત્યારે તેની ખરીદી જીવનભર માટે થતી હતી. હવે બે-ચાર વર્ષમાં તેનું અપગ્રેડ વર્ઝન આવી જાય છે.

અઘરું ઉદાહરણ: ચેપીરોગની રસી બનાવવા માટે પરંપરાગત રીતે 5 થી 10 વર્ષ લાગે છે. કોરોનાનો પહેલો કેસ નોંધાયો તેના એક વર્ષની અંદર તો વિજ્ઞાનીઓએ તેનું જીનોમ શોધી કાઢ્યું અને બીજા એક વર્ષમાં તો તેની રસીનું ઉત્પાદન શરુ થઇ ગયું.

આ તો હાથવગાં ઉદાહરણ છે. એ સિવાય પણ ખાવા-પીવા, કામ કરવા, રહેવા-કરવા, ભણવા વગેરે ક્ષેત્રોમાં પણ જબરદસ્ત ગતિએ ફેરફારો આવ્યા છે અને હજુ આવી રહ્યા છે.

21મી સદી ટેકનોલોજીની સદી છે. ટેકનોલોજી આપણા જીવનને કેવી પ્રચંડ અને અકલ્પનિય રીતે પ્રભાવિત કરવાની છે, તે કોઈ સાયન્સ ફિક્શનની વાર્તાથી કમ નથી. જે વાતની આપણે કલ્પનાઓ કરતા હતા, તે આજે સાકાર થઈ રહી છે અને એટલે આપણું ભવિષ્ય એકદમ એક્સાઇટિંગ છે.

દુનિયાના તમામ સમાજોમાં સ્વર્ગની કલ્પના છે. સ્વર્ગ એટલે એવી જાદુઈ જગ્યા, જ્યાં અપરંપાર સુખ-સુવિધાઓ હોય, જ્યાં મૃત્યુલોકની સમસ્યાઓ ન હોય અને જ્યાં જીવનમાં શાંતિ અને અમન હોય. આપણા પુર્વજોને એ ખબર નહોતી કે  ટેકનોલોજી એક દિવસ આવું સ્વર્ગ પૃથ્વી પર સાકાર કરશે. પ્રાકૃતિક રીતે આકાર લેતા આપણા જીવનની સમસ્યાઓ અને મર્યાદાઓ પણ પ્રાકૃતિક રહી છે, અને સદીઓ સુધી માણસ એમાં કશું કરી શકતો ન હતો, પરંતુ વિજ્ઞાન અને ટેકનોલોજીના સહારે માણસ ઈશ્વરે લાદેલાં ઘણાં નિયંત્રણોને દૂર કરવા સક્ષમ બન્યો છે, અથવા એવું કહો કે માણસ ઈશ્વરની શક્તિ હાંસલ કરી રહ્યો છે.

આ પુસ્તકમાં તમને આ બધું પણ વાંચવા મળશે.

 

પ્રશ્ન એ છે કે પરિવર્તન સારા માટે જ હોય છે? તે આપણને વધુ સુખી બનાવશે? જેમ કે આ પુસ્તકમાં લેખક પૂછે છે: આપણો સામાજિક ઢાંચો કેવો હશે? આપણા સંબંધોનું શું થશે? આપણા ધાર્મિક ગ્રંથો કેવું માર્ગદર્શન આપશે? પ્રકૃતિનો વિકલ્પ મળશે? નવા વૈશ્વિક પ્રશ્નો ઉભા નહિ થાય?

સામાન્ય રીતે આપણે સુવિધાપૂર્ણ જીવનને સુખની નિશાની ગણીએ છીએ. એ રીતે જોઈએ, તો ટેકનોલોજી આપણને સુખી બનાવ્યા છે.

યુવલ નોઆ હરારીને આ તર્કમાં શ્રદ્ધા નથી. તેઓ માણસના જંગલયુગથી લઈને 21મી સદીના ટેકનોલોજીકલ યુગ સુધીની અવિશ્વસનીય પ્રગતિનું દિલચસ્પ વિવરણ તો કરે છે, પરંતુ સાથો-સાથ માણસના ટ્રેક-રેકોર્ડને જોતાં ચેતવણી પણ ઉચ્ચારે છે કે માણસ જયારે જીવનને મશીનથી સંચાલિત કરતો થઇ જશે ( “માણસ ઈશ્વર બનશે” એવું તે લખે છે), પછી સુખ, માનવતા, નૈતિકતા, પ્રેમ વગેરે જેવાં માનવીય મૂલ્યો સામે પ્રશ્નો ઉભા થશે અને તેની પાસે તેના કોઈ સમાધાન નહીં હોય. હરારીના વિશ્લેષણમાં, માનવ શરૂઆતથી દુષ્ટ રહ્યો છે, અને જેમ જેમ તેની ટેકનોલોજીકલ તાકાત વધતી ગઈ છે, તેમ તેમ તે તેની દુષ્ટતામાં વધારો થયો છે. એટલે એવું માનવા માટે પૂરતાં કારણો છે કે ભવિષ્યમાં તેની “ઈશ્વર જેવી” તાકાત તેની દુષ્ટતાને અમર્યાદિત મેદાન આપશે.

એક વાક્યમાં કહેવું તો- માણસ જબરદસ્ત બાહ્ય પ્રગતિ કરશે, પણ એ તેની આંતરિક પ્રગતિની ગેરંટી નહીં હોય.

ઘણા બુદ્ધિજીવીઓ અને વિજ્ઞાનીઓ હરારીના ચેતવણીના સૂરને નિરાશાવાદી ગણે છે. હરારી કહે છે તેવું ભવિષ્ય કોરી કલ્પના નથી, પણ એવું જ થશે તેવું કહેવું ઉચિત નથી. શક્ય છે કે આપણે વધુ ઉદાર બનીશું, ઓછી હિંસા કરીશું, વધુ શિક્ષિત થઈશું અને એક સફળ પ્રજાતિ તરીકે સિદ્ધ થઈશું. આપણો ઈતિહાસ એવું પણ તો કહે છે કે આપણે જંગલી પ્રજાતિમાંથી સભ્ય પ્રજાતિ બન્યા છીએ તેમાં આપણી અલગ-અલગ પ્રગતિઓનું યોગદાન છે.

અહીં પીટર ડિયામેન્ડીસની ‘એન્ટ્રી’ થાય છે. ડિયામેન્ડીસ પણ માણસના ટેકનોલોજીકલ ભવિષ્યનું રસસ્પદ ચિત્ર દોરે છે, પરંતુ તેઓ હરારીની જેમ નિરાશાવાદી અથવા ‘એલાર્મિસ્ટ’ નથી. લેખક આ પુસ્તકમાં લખે છે, “શાંતિની શોધ કરતાં આપણે સૌ વધુને વધુ સુખ મેળવવા માટે અનેક પ્રયત્નોકરી રહ્યા છીએ ત્યારે હરારીની વાત એક ભારેખમ અલાર્મ જેવી છે...એની સામે ડિયામેન્ડીસની વાત ઘણી આશા પણ જન્માવે છે.”

હરારી, ટેકનોલોજીના યુગની નકારાત્મક બાજુને છતી કરે છે. તેમના લખાણો અથવા વિચારોમાં અમુક પ્રકારનો બુનિયાદી નિરાશાજનક સૂર છે. એક બૌદ્ધ પરંપરાની આધ્યાત્મિક વ્યક્તિ તરીકે, હરારી ટેકનોલોજીના વિકાસની સાથે તેનાં આવનારાં ગંભીર પરિણામો બાબતે આપણને સતર્ક કરે છે અને પ્રશ્ન પૂછે છે કે માણસ સાચે જ સુખી થઈ શકશે?

પીટર ડિયામેન્ડીસ ટેકનોલોજીના યુગનું એક વધુ સકારાત્મક ચિત્ર પેશ કરે છે. તેમનો સૂર પ્રમાણમાં આશાવાદી છે. ડિયામેન્ડીસ બતાવે છે કે ટેકનોલોજી કેવી રીતે આપણા જીવનને ધરમૂળથી બદલી નાખશે અને કેવી રીતે અત્યાર સુધી અસાધ્ય કહેવાતી અમુક સમસ્યાઓનાં સમાધાન શોધશે અને જેવી રીતે આપણને એક તદ્દન નવી રીતે જીવન જીવવાનો અનુભવ પ્રદાન કરશે.

ટેકનોલોજીના આ બે વિરોધી અભિગમ વાસ્તવમાં સામા છેડાના નથી, પરંતુ એકબીજાનો વિસ્તાર જ છે. મને એવું લાગે છે કે "વધામણાં" પુસ્તકમાં આ કથિત વિરોધાભાસી વિચારોની કડી ઉભી કરવા પ્રયાસ કર્યો છે. 

તેમણે અગાઉ હરારીનાં લખાણોનો આધાર લઈને "એંધાણ" નામનું પુસ્તક આપ્યું હતું, જે એક રીતે ટેકનોલોજીનાં એંધાણ કેવાં છે, તેની વાત કરતું હતું. "વધામણાં" કદાચ એ એંધાણ વાસ્તવમાં કેવી રીતે સાકાર થઈ રહ્યા છે તેની વાત કરે છે. તમે જો બંને પુસ્તક સળંગ વાંચશો તો તમને ટેકનોલોજીના યુગનું એક વિસ્તૃત ચિત્ર જોવા મળશે.

વિશાલભાઈ અને તેમના વાચકોને આ પુસ્તક બદલ અભિનંદન.

છેલ્લે, હરારીને ન્યાય આપવા માટે, તેમણે તેમની સામેની ટીકાનો આપેલો જવાબ ટાંકું છું:

“હું નિરાશાવાદી કે આશાવાદી નહીં, પણ વાસ્તવવાદી રહેવાનો પ્રયાસ કરું છું.”

 

Reviews:
























No comments:

Post a Comment